પંચમહાલ જિલ્લામાં તહેવારો ટાણે નાગરિકોને શુદ્ધ ખાદ્યસામગ્રી મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે તપાસ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે ગોધરાના ડૉ. ગિધવાણી રોડ પર આવેલી 'કિશોરકુમાર થાવરદાસ હેમનાની' નામની પેઢીમાં ફૂડ સેફ્ટી ટીમે અચાનક દરોડો પાડ્યો હતો.

આગામી તહેવારોની મોસમમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી પંચમહાલ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા મીઠાઈ, ખાદ્ય તેલ અને દૂધની વિવિધ બનાવટો સામે વિશેષ તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ગોધરા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ગોધરાના ડૉ. ગિધવાણી રોડ સ્થિત ‘કિશોરકુમાર થાવરદાસ હેમનાની’ નામની પેઢી પર ફૂડ સેફ્ટીની ટીમે અચાનક દરોડો પાડી સપાટો બોલાવ્યો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ઘીના કુલ 3 નમૂનાઓ મેળવીને તેને વધુ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સાથોસાથ, રૂ. 57,200 ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો પણ જપ્ત કરીને સીઝ કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જો ખાદ્ય પદાર્થમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે અશુદ્ધિ સાબિત થશે, તો પ્રવર્તમાન નિયમો અનુસાર કસૂરવારો સામે સખત કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્રની આ લાલ આંખથી મિલાવટખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.






