સંસ્કારી નગરી વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાંથી એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 47 વર્ષીય આરતીબેન સોનીએ પોતાના 24 વર્ષીય પુત્ર નીલકંઠ અને 22 વર્ષીય પુત્રી જેની સોની સાથે આત્યંતિક પગલું ભરી જીવન ટૂંકાવ્યું છે.

ઉચ્ચ શિક્ષિત અને સુખી-સંપન્ન હતો પરિવાર
મૃતક પુત્રી જેની સોની હાલમાં જ આયુર્વેદિક ડૉક્ટર બની હતી અને ઓલ્ડ પાદરા રોડ પર તેનું ક્લિનિક ચાલતું હતું. જ્યારે પુત્ર નીલકંઠ બે વર્ષ પહેલાં જ કેનેડાથી અભ્યાસ/કામ પતાવીને પરત આવ્યો હતો. પાડોશીઓ અને સંબંધીઓના જણાવ્યા અનુસાર, પરિવાર આર્થિક રીતે ખૂબ સુખી અને સંપન્ન હતો.

પતિના અવસાન બાદ શરૂ કર્યો હતો નવો બિઝનેસ
આશરે એક વર્ષ અગાઉ પરિવાના મુખ્ય સભ્ય અને સોની કામ તથા ગોલ્ડ બેંગલ્સ મેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ચેતન સોનીનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમના નિધન બાદ પરિવાર સોની કામ બંધ કરી હેલ્થકેર ક્ષેત્રે સક્રિય થયો હતો. તેમણે જરોદ પાસે 'ZSEPS ફાર્માસ્યુટિકલ ફેક્ટરી' શરૂ કરી દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું હતું તેમજ ઓલ્ડ પાદરા રોડ પર 'ZSEPS હેલ્થકેર' ક્લિનિક પણ ચલાવતા હતા.

કોઈ આર્થિક સંકળામણ ન હોવા છતાં ચિંતામાં રહેતા હતા
આરતીબેનના બિઝનેસ પાર્ટનર કેતન શાહ અને સંબંધી સીમાબેન સોનીના જણાવ્યા અનુસાર, પરિવારને ક્યારેય કોઈ નાણાકીય તંગી નહોતી. જોકે, પતિ ચેતનભાઈના અચાનક અવસાન પછી આરતીબેન સતત ચિંતિત રહેતા હતા અને તેમણે લોકો સાથે વાતચીત ઓછી કરી દીધી હતી. ઘરની કામવાળી બહેને પોતાની પાસે રહેલી અન્ય ચાવીથી દરવાજો ખોલતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
હસતો-રમતો પરિવાર આવી રીતે અચાનક આત્યંતિક પગલું ભરશે તેવું સપનામાં પણ વિચાર્યું ન હોવાનું પાડોશીઓએ જણાવ્યું છે. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આત્મહત્યાના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.






