સમગ્ર રાજ્યમાં નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને આરાધનાનો માહોલ છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં ‘આઈ.એ.એસ. વાઇવ્સ વેલફેર એસોસિએશન’ દ્વારા વાર્ષિક પરંપરા મુજબ ગરિમાપૂર્ણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારો માટે યોજાયેલા આ વિશેષ ઉત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિતિ રહ્યા, જ્યાં મુખ્યમંત્રીએ મા આદ્યશક્તિની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

IMG-20261012-WA0643.jpg

કાર્યક્રમ સ્થળે આવી પહોંચેલા મુખ્યમંત્રીનું મુખ્ય સચિવ એમ. કે. દાસ, આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ સી.વી. સોમ, ચંદ્રાણી સોમ તેમજ વરિષ્ઠ સચિવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું . મુખ્યમંત્રીએ શ્રદ્ધાપૂર્વક જગતજનનીની મહાઆરતી ઉતારી સમગ્ર ગુજરાતના નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-શાંતિ અને રાજ્યની ઉત્તરોત્તર સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી . આરતી સંપન્ન થયા બાદ સમગ્ર પરિસરમાં ભક્તિસભર ઉત્સાહ છવાયો હતો.

IMG-20261012-WA0647.jpg

આ સાંસ્કૃતિક આયોજનમાં રાજ્ય વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ પોતાના પરિવારજનો સાથે સહભાગી બન્યા હતા. જેમાં રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિક, હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘ સહિત સચિવાલયના વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, સચિવો તેમજ રાજ્યમાં અગાઉ સેવા આપી ચૂકેલા નિવૃત્ત સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

IMG-20261012-WA0648.jpg


દૈનિક સત્તાવાર કામગીરી અને જવાબદારીઓ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારીઓ અને તેમના પરિવારો પરંપરાગત પરિધાનોમાં સજ્જ થઈને ગરબાના તાલે ઝૂમ્યા હતા. શિસ્તબદ્ધ આયોજન અને સંગીતમય વાતાવરણ વચ્ચે યોજાયેલા આ મહોત્સવે વહીવટી પરિવાર વચ્ચે પરસ્પર સ્નેહ, આત્મીયતા અને સાંસ્કૃતિક સંવાદિતાને એક મંચ પૂરો પાડ્યો હતો. આ ઉત્સવ માત્ર ઔપચારિક મેળાવડો ન રહેતાં સંસ્કૃતિ અને લોકપરંપરાના અનોખા સંગમ સમો બની રહ્યો હતો.