મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક નવું શિખર સર થયું છે. અમદાવાદમાં સાબરમતી નદી પર બુલેટ ટ્રેન કોરિડોરના સૌથી જટિલ અને પડકારજનક એન્જિનિયરિંગ માળખાઓમાંના એક એવા 480 મીટર લાંબા નદી પુલનું બાંધકામ સફળતાપૂર્વક પૂરું કરી લેવામાં આવ્યું છે. આશરે 36 મીટર (118 ફૂટ) ની ઊંચાઈ ધરાવતો આ પુલ સામાન્ય 12 માળની ઇમારત જેટલો ઊંચો છે.

03.jpeg

પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઈન નજીક આવેલો આ પુલ જમીન સ્તરથી આશરે 14.8 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ભૌગોલિક રીતે જોતાં તે સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવે છે—જે સાબરમતી સ્ટેશનથી આશરે 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી લગભગ 4 કિલોમીટર દૂર છે.

ગ્રાઉન્ડ લેવલ પર અમદાવાદ જેવા વ્યસ્ત શહેરમાંથી પસાર થતી વખતે બુલેટ ટ્રેનનો રૂટ વર્તમાન ફ્લાયઓવર, રેલવે લાઈનો અને મેટ્રો કોરિડોર પરથી પસાર થાય છે. આ તમામ માળખાઓ પરથી સુરક્ષિત વાહનવ્યવહાર માટે જરૂરી ઊંચાઈ (વર્ટિકલ ક્લિયરન્સ) મળી રહે તે માટે સાબરમતી પુલના થાંભલા (પિયર્સ) સામાન્ય કરતાં વધુ ઊંચા બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT
01.jpeg

જળપ્રવાહને નુકસાન ન થાય તેવી એન્જિનિયરિંગ ડિઝાઇન

પુલના નિર્માણમાં 6 થી 6.5 મીટર વ્યાસ ધરાવતા કુલ 8 ગોળાકાર થાંભલા બનાવવામાં આવ્યા છે. જેમાં 4 થાંભલા નદીના પટમાં, 2 બંને કિનારા પર અને 2 કિનારાની બહાર રાખવામાં આવ્યા છે. આ કાળજીપૂર્વકની ગોઠવણીને કારણે સાબરમતીના સ્વાભાવિક વહેણમાં કોઈ મોટો અવરોધ નહીં આવે. સાધારણ રીતે બુલેટ ટ્રેન રૂટ પર 40 મીટરના સ્પાન હોય છે, પણ અહીં પિયર્સની સંખ્યા ઘટાડવા 50 થી 76 મીટર સુધીના લાંબા સ્પાન મૂકાયા છે. પુલમાં 76 મીટરના પાંચ અને 50 મીટરના બે સ્પાન છે, જેમાં દરેક સ્પાનમાં 23-23 સેગમેન્ટ્સ સ્થળ પર જ તૈયાર (ઇન-સિટુ કાસ્ટિંગ) કરીને જોડવામાં આવ્યા છે.

04.jpeg

વિશેષ નિર્માણ પદ્ધતિનો ઉપયોગ

આ નદી પુલના બાંધકામ માટે 'બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડ' (Balanced Cantilever Method) અપનાવવામાં આવી હતી. આ ટેકનિકથી નદીના વહેણમાં નીચે કોઈ હંગામી મંજૂડા (સ્કેફોલ્ડિંગ) ઊભા કર્યા વિના, થાંભલાઓ પર બંને બાજુ એકસરખા વજન સાથે સેગમેન્ટ ગોઠવીને અને પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા સંતુલિત બ્રિજ ડેક તૈયાર કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર કુલ 25 નદી પુલ બની રહ્યા છે, જેમાંથી 21 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. સાબરમતી પરના આ સીમાચિહ્નરૂપ પુલના નિર્માણ સાથે જ હવે ગુજરાતમાં નિર્ધારિત 21 માંથી 18 નદી પુલોનું કામકાજ સંપૂર્ણપણે સફળતાપૂર્વક પૂરું થઈ ચૂક્યું છે.