આજના ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ત્વરિત અને પ્રશંસનીય કામગીરી કરીને એક મોટી સફળતા મેળવી છે. ચાંગોદર વિસ્તારમાં બહુચર્ચિત ‘બોસ સ્કેમ’ (Boss Scam) નો ભોગ બનેલી ફાર્માસ્યુટિકલ કંપનીના ગયેલા રૂ. 3 કરોડમાંથી રૂ. 2.88 કરોડ મૂળ માલિકને સફળતાપૂર્વક પરત અપાવવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

ચાંગોદર ખાતે આવેલી 'પ્યૉર એન્ડ ક્યોર ફાર્મા' કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હાર્દિક પટેલ સાથે આ સાયબર ઠગાઈ આચરવામાં આવી હતી. આઈડેન્ટિટી થેફ્ટ અને સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને ઠગોએ કંપનીના ડાયરેક્ટરનો ફોટો પોતાના વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર (DP) તરીકે રાખ્યો હતો. ત્યારબાદ હાર્દિક પટેલને મેસેજ કરીને તાત્કાલિક એક ચોક્કસ બેંક ખાતામાં રૂ. 3 કરોડ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ડાયરેક્ટરનો આદેશ સમજીને એકાઉન્ટન્ટે મલ્ટીપલ ટ્રાન્ઝેક્શન દ્વારા રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

ADVERTISEMENT

ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જ્યારે એકાઉન્ટન્ટે કંપનીના ડાયરેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી, ત્યારે સામે આવ્યું કે ડાયરેક્ટરે આવો કોઈ મેસેજ કે આદેશ આપ્યો જ નહોતો. પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાની જાણ થતાં જ એકાઉન્ટન્ટે વિલંબ કર્યા વગર સાયબર હેલ્પલાઈન, ચાંગોદર પોલીસ સ્ટેશન અને એલસીબી (LCB) નો સંપર્ક કર્યો હતો.

પોલીસની ત્વરિત કાર્યવાહી અને મની ટ્રેલ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે તાત્કાલિક સાયબર સેલની મદદથી ઓપરેશન શરૂ કર્યું હતું. ઘટનાના ગણતરીના 4 થી 5 કલાકના ટૂંકા સમયગાળામાં જ પોલીસે નાણાં જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા હતા તેને ટ્રેસ કરી લીધા હતા. બેંકો સાથે વિનિમય કરીને રૂ. 3 કરોડમાંથી રૂ. 2.94 કરોડ તાત્કાલિક ફ્રીઝ કરાવી દેવામાં આવ્યા હતા. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમાંથી રૂ. 2.88 કરોડની માતબર રકમ મૂળ માલિકને પરત મેળવી આપવામાં સફળતા મળી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સાયબર ગેંગે નાણાં છુપાવવા માટે આંતરરાજ્ય નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. ઠગાઈના નાણાં સૌથી પહેલાં આંધ્ર પ્રદેશના ગોકુલ ગુરુવર્ધનના ખાતામાં ગયા હતા, ત્યાંથી મધ્ય પ્રદેશના અપદેશ યાદવના ખાતામાં રૂ. 6 લાખ મોકલવામાં આવ્યા હતા અને અંતે બાકીની રકમ જમ્મુ-કાશ્મીર સ્થિત બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આંતરરાજ્ય ગેંગને ઝડપવા તપાસ તેજ

હાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ આંતરરાજ્ય સાયબર ગેંગના મુખ્ય સૂત્રધારો અને અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમના કિસ્સામાં 'ગોલ્ડન અવર' (શરૂઆતના કલાક) માં આપેલી બાતમીને કારણે આટલી મોટી રકમ રીકવર થઈ શકી છે, જે પોલીસની સતર્કતા અને ટેકનિકલ કાર્યક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.