બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના પોશ જુહૂ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. ટાઇગર શ્રોફ જ્યારે ફૂટબોલ રમીને પોતાની કારમાં બેસીને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે ટાઇગરની કાર પુષ્પા પાર્ક નજીક ઊભી હતી. આ સમયે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ અચાનક કાર પર ફાયરિંગ શરુ કરી દીધું, પરંતુ ટાઇગર પર કરવામાં આવેલા હુમલામાં તે સુરક્ષિત રીતે બચાવ થયો છે જોકે કારને નિશાન બનાવતા કાર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું જેમાં ટાઈગરની કારમાં સવાર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે, હુમલામાં તેમના ડ્રાઇવર અને નજીકમાં રહેલા એક ઓટો-રિક્ષાચાલકને ગોળી વાગતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

આ હુમલા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું જણાઈ રહ્યું છે, ઘટનાની જાણ થતા જ ગણતરીના કલાકોમાં જ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગેંગના અનિલ પંડિત અને હરમન સંધૂના નામે એક કથિત પોસ્ટ વાયરલ થઈ. જેમાં આ ફાયરિંગની સીધી જવાબદારી સ્વીકારતાં ધમકી આપવામાં આવી છે કે, "અમે તેને અગાઉ પણ સમજાવ્યો, પરંતુ તે સમજ્યો નહીં. આજે અમે યોગ્ય રીતે સમજાવી દીધું છે. મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ અમારી વાત નહીં સાંભળે અથવા સલમાન ખાન સાથે કામ કરશે, તો હવે પછીનો નંબર તેનો જ હશે." આ પોસ્ટ સામે આવ્યા બાદ સમગ્ર બોલિવૂડમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ADVERTISEMENT

ગોળીબારની ગંભીરતાને ધ્યાને રાખી મુંબઈ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. ફોરેન્સિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બનાવના સ્થળેથી નમૂના લેવાની શરુઆત કરી. ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે અને હુમલાખોરોની ઓળખ તેમજ બાઇકનો નંબર ટ્રેસ કરવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરુ કરી છે. પોલીસે આ મામલે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. આ હુંમલામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમો સાથે મળીને તપાસ કરી રહી છે.

આ ઘટના બાદ સમગ્ર મુંબઈ અને બોલિવુડમાં ફફડાટ ફેલાઈ ગયો છે, આ બનાવ બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી જણાવ્યું હતું કે રાજ્યમાં સામાન્ય નાગરિકો અને બોલિવુડના કલાકારોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે અને આ કાવતરામાં સામેલ કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.