દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનની 25 વર્ષની જાહેર જનસેવા અને સુશાસનની ગૌરવવંતી યાત્રાને બિરદાવવા માટે રાજ્યભરમાં વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને માનવતાવાદી 'સેવા સંકલ્પ' કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય નાગરિકોથી લઈને ટોચના નેતાઓએ પીએમ મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી આ દિવસને જનસેવા સાથે જોડ્યો છે.
આ ખાસ અવસરે ગુજરાતના ઐતિહાસિક અને પવિત્ર સ્થાનો પર દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવ પરિસરમાં 1.25 લાખ દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા, જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત અટલ બ્રિજ પર 76,000 દીવડાઓની અદભુત રોશની જોવા મળી હતી. આ સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સુપ્રસિદ્ધ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પહોંચી વિશેષ આરતી કરી રાષ્ટ્રકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે પણ સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સમક્ષ 76,000 દીવડા પ્રગટાવીને ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી.
યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીના ચાચર ચોકમાં 76,000 દીપ પ્રગટાવીને દિવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં વિધાનસભા અધ્યક્ષ અને પ્રદેશ સંગઠનના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહીસાગરના ઐતિહાસિક અને આદિવાસી આસ્થાના પ્રતીક સમાન માનગઢ ધામ ખાતે 7,600 દીપ પ્રગટાવીને સ્થાનિક વનબંધુ સમાજે જન્મદિવસની વિશેષ ઉજવણી કરી હતી.
સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ ખાતે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યાત્રાળુઓની સુવિધા માટે 'સોમનાથ યાત્રા' મોબાઇલ એપ્લિકેશન અને ઇકો-ફ્રેન્ડલી રિયુઝેબલ પ્રસાદ પેકેજિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વૃદ્ધાશ્રમોમાં વસ્ત્રોનું વિતરણ અને ક્ષય (ટીબી) રોગીઓને પોષણ સહાય માટે દત્તક લેવાની પહેલ હાથ ધરાઈ હતી. સુરતના વરાછા ખાતે 'નમો સંવેદના દિવસ' હેઠળ હજારો કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે આપવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણ, રક્તદાન શિબિરો અને સફાઈ અભિયાન દ્વારા 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના ચરિતાર્થ થઈ હતી.






