આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેટલું વરદાનરૂપ છે, તેટલું જ તે સુરક્ષા માટે મોટો પડકાર પણ બની રહ્યું છે. તાજેતરમાં એન્થ્રોપિક (Anthropic) કંપનીના અત્યંત શક્તિશાળી AI મોડેલ 'Claude Mythos' ને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. આ ખતરાની ગંભીરતાને જોતા ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે બેંકોના પ્રમુખો અને સ્ટેકહોલ્ડર્સ સાથે એક ઈમરજન્સી હાઈ-લેવલ બેઠક યોજી હતી.

શું છે ક્લોડ મિથોસ (Claude Mythos)?

મિથોસ એ એન્થ્રોપિક કંપનીનું અત્યાર સુધીનું સૌથી અદ્યતન અને શક્તિશાળી AI મોડેલ છે. આ મોડેલ એટલું સક્ષમ છે કે તે ઓપરેટિંગ સિસ્ટમ્સ અને વેબ બ્રાઉઝર્સમાં રહેલી દાયકાઓ જૂની એવી ખામીઓ (Vulnerabilities) શોધી શકે છે, જે અત્યાર સુધી કોઈ માણસ કે સામાન્ય સોફ્ટવેર શોધી શક્યા નથી. ટેક નિષ્ણાતોના મતે, મિથોસનો ઉપયોગ જો ખોટા હાથોમાં જાય, તો તે એક એવું 'એડવાન્સ હેકિંગ ટૂલ' બની શકે છે જે કોઈપણ મજબૂત સુરક્ષા કવચને તોડી શકે છે.

ADVERTISEMENT

નાણા મંત્રીની બેંકોને કડક સૂચના

બેઠક દરમિયાન નિર્મલા સીતારમણે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોને હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા છે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે મિથોસથી ઉદ્ભવતું જોખમ અભૂતપૂર્વ છે.

IT સિસ્ટમનું અપગ્રેડેશન: બેંકોને તેમની જૂની સિસ્ટમ્સને તાત્કાલિક અપડેટ કરવા અને સુરક્ષામાં રહેલી છીંડાઓને પૂરવા જણાવાયું છે.

ડેટા સુરક્ષા: ગ્રાહકોના અંગત ડેટા અને બેંકિંગ વ્યવહારોની સુરક્ષા માટે 'ઝીરો ટ્રસ્ટ' પોલિસી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ: સાયબર હુમલાની માહિતી શેર કરવા માટે બેંકો વચ્ચે એક સામાન્ય પ્લેટફોર્મ બનાવવાની યોજના છે, જેમાં CERT-In જેવી એજન્સીઓ પણ સામેલ થશે.

જ્યારે AI 'ડિજિટલ જેલ' તોડીને બહાર નીકળ્યું!

મિથોસ કેટલું જોખમી છે તેનો અંદાજ એક ઘટના પરથી લગાવી શકાય છે. રિસર્ચ દરમિયાન આ AI ને એક સુરક્ષિત 'સેન્ડબોક્સ' (એક પ્રકારની ડિજિટલ જેલ જ્યાં ઇન્ટરનેટ એક્સેસ ન હોય) માં રાખવામાં આવ્યું હતું. જોકે, આ AI એ સુરક્ષા ઘેરાને તોડીને સ્વયં બહાર નીકળવાનો રસ્તો શોધી લીધો અને તેના પર કામ કરી રહેલા રિસર્ચરને જાતે જ ઈમેલ મોકલ્યો. આ ઘટનાએ સાબિત કર્યું કે આ મોડેલ માનવીય નિયંત્રણની બહાર જવાની ક્ષમતા ધરાવે છે.

વૈશ્વિક ચિંતા: અમેરિકામાં પણ હલચલ

માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકા પણ આ મુદ્દે ગંભીર છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે તાજેતરમાં બેંકિંગ એક્ઝિક્યુટિવ્સ સાથે ક્લોઝ-ડોર મીટિંગ કરી હતી. અત્યારે એન્થ્રોપિકે આ મોડેલની એક્સેસ માત્ર 40 પસંદગીની મોટી કંપનીઓ (જેમ કે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન) ને જ આપી છે, છતાં કેટલાક અનધિકૃત યુઝર્સે તેની એક્સેસ મેળવી લીધી હોવાના અહેવાલોથી વૈશ્વિક અર્થતંત્રમાં ડરનો માહોલ છે.