ભારત સરકાર દેશની ઈંધણ સુરક્ષાને મજબૂત કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે એક ક્રાંતિકારી ફેરફાર તરફ આગળ વધી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) એ 27 April 2026 ના રોજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પ્રસ્તાવ મુજબ, હવે દેશમાં માત્ર પેટ્રોલ જ નહીં, પરંતુ ઈથેનોલ અને બાયોડીઝલના હાઈ-બ્લેન્ડ (વધુ મિશ્રણ) ધરાવતા ઈંધણ માટે નવા ધોરણો નક્કી કરવામાં આવશે.
શું છે સરકારનો નવો પ્રસ્તાવ?
સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ-1989માં સુધારો કરવાની તૈયારી કરી છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈંધણના વર્ગીકરણ (Classification) માં ફેરફાર કરવાનો છે:
પેટ્રોલનું નવું નામ: અત્યાર સુધી પેટ્રોલને E10/E તરીકે ઓળખવામાં આવતું હતું, જે હવે બદલીને E10/E20 કરવામાં આવશે.
હાઈ ઈથેનોલ બ્લેન્ડ: પ્રસ્તાવમાં E85 અને E100 જેવા ઈંધણનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ભવિષ્યમાં વાહનો 100% ઈથેનોલ પર પણ ચાલી શકશે.
બાયોડીઝલ અપડેટ: ડીઝલ વાહનો માટે બાયોડીઝલ મિશ્રણની મર્યાદા B10 થી વધારીને B100 સુધી લઈ જવાનો પ્રસ્તાવ છે.
ગયા વર્ષે E20 નો લક્ષ્યાંક પૂર્ણ
ભારતે અગાઉ નક્કી કરેલો પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રણ (E20) નો ટાર્ગેટ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે. હવે સરકાર E25, E27 થી લઈને E100 સુધી પહોંચવા માંગે છે. આનાથી કાચા તેલની આયાત પાછળ ખર્ચાતા અબજો રૂપિયા બચશે અને ખેડૂતોને ઈથેનોલના ઉત્પાદન દ્વારા આર્થિક ફાયદો થશે.
ગ્રોસ વ્હીકલ વેઈટ (GVW) માં ફેરફાર
સરકારે કોમર્શિયલ વાહનો માટે પણ મહત્વનો ફેરફાર પ્રસ્તાવિત કર્યો છે. ગ્રોસ વ્હીકલ વેઈટની મર્યાદા 3000 kg થી વધારીને 3500 kg કરવામાં આવશે. આ ફેરફારથી નાના ટ્રક અને લોડિંગ ટેમ્પો માટે નવા ઉત્સર્જન નિયમો લાગુ થશે. આ ઉપરાંત, HCNG (હાઈડ્રોજન મિશ્રિત CNG) સાથે જોડાયેલા ટેકનિકલ શબ્દોમાં પણ સુધારા કરવામાં આવ્યા છે.
ધીમે ધીમે થશે અમલીકરણ
આ ફેરફારો એકાએક નહીં પણ તબક્કાવાર લાગુ કરવામાં આવશે. E20 ઈંધણ સમગ્ર દેશમાં સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે, જ્યારે E85 અને E100 જેવા વિકલ્પો એવા વાહનો માટે રજૂ કરાશે જે ખાસ કરીને 'ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન' ટેકનોલોજીથી સજ્જ હશે. હાલમાં આ ડ્રાફ્ટ લોકોના અભિપ્રાય માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેના આધારે સરકાર અંતિમ નોટિફિકેશન બહાર પાડશે.






