પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતીય વાયુસેનાના સૈન્ય આધુનિકીકરણ પર જોવા મળી રહી છે. ભારતના સ્વદેશી લડાકુ વિમાન 'તેજસ માર્ક-1A' માટે અમેરિકાથી આવતા એન્જિનનો પુરવઠો અટકી ગયો છે. અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને જાણ કરી છે કે વર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે એન્જિનનો પુરવઠો હાલમાં આપી શકાય તેમ નથી.
એન્જિનના અભાવે 9 વિમાનોની ડિલિવરી અટકી
HAL એ માર્ચ 2026 સુધીમાં વાયુસેનાને 24 તેજસ વિમાનો સોંપવાનું વચન આપ્યું હતું. પરંતુ એન્જિન ન મળવાને કારણે હાલ 9 તેજસ માર્ક-1A વિમાનો તૈયાર હોવા છતાં વાયુસેનાને મળી શકતા નથી.
વર્તમાન સ્થિતિ: 5 વિમાનો સંપૂર્ણ તૈયાર છે અને 19 વિમાનોના એર ફ્રેમ તૈયાર છે.
ડીલની વિગતો: ભારત અને GE વચ્ચે 9000 કરોડના ખર્ચે 113 એન્જિન માટે કરાર થયેલો છે.
નવી સમયમર્યાદા: હવે આ એન્જિન વર્ષના અંત સુધીમાં મળે તેવી અપેક્ષા છે.
83 વિમાનોનો ઓર્ડર અને વિલંબનો ઈતિહાસ
ફેબ્રુઆરી 2021માં ભારત સરકારે 48,000 કરોડના ખર્ચે 83 તેજસ માર્ક-1A માટે HAL સાથે કરાર કર્યો હતો. જોકે, એન્જિનની ડિલિવરીમાં સતત વિલંબને કારણે અત્યાર સુધી એક પણ એરક્રાફ્ટ વાયુસેનાને સોંપી શકાયું નથી. અત્યાર સુધીમાં GE તરફથી માત્ર 4 એન્જિન જ પ્રાપ્ત થયા છે. આશા છે કે 2028 સુધીમાં તમામ વિમાનોની ડિલિવરી પૂર્ણ થઈ જશે.
તેજસ માર્ક-1A: વાયુસેનાનું નવું બ્રહ્માસ્ત્ર
તેજસ માર્ક-1A એ ચોથી પેઢીનું હલકું લડાકુ વિમાન (LCA) છે, જે જૂના મિગ-21 કાફલાનું સ્થાન લેશે.
ખાસિયતો: તેમાં અપગ્રેડેડ એવિયોનિક્સ, રડાર સિસ્ટમ અને સ્વયં રક્ષા કવચ છે.
તૈનાતી: આ વિમાનોને પાકિસ્તાન સરહદ પાસે રાજસ્થાનના નાલ એરબેઝ (બિકાનેર) પર તૈનાત કરવાની યોજના છે.
મેક ઇન ઇન્ડિયા: આ વિમાનના 65% થી વધુ ઉપકરણો સ્વદેશી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2022માં તેજસમાં ઉડાન ભરીને તેની ક્ષમતા પર ભરોસો વ્યક્ત કર્યો હતો. પરંતુ હાલમાં અમેરિકી એન્જિનનો પુરવઠો અટકવાથી વાયુસેનાના 'સ્ક્વોડ્રન'ની તાકાત વધારવાના લક્ષ્યને ફટકો પડ્યો છે.






