ફ્રાન્સ બાદ હવે ઈટાલીમાં પણ પ્રદર્શનો અને વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારી અને કથળતી જાહેર સેવાઓ અને સંરક્ષણ બજેટના વિરોધમાં મોટા પાયે હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. ઈટાલીના મોટા ભાગના વિસ્તાર જેવા કે મિલાન, બોલોન્યા, બ્રેસિયા અને ટ્યુરિન જેવા મોટા શહેરોમાં ભારે વિરોધ જોવા મળ્યો ઉગ્ર પ્રદર્શનમાં આશરે 50 મિલિયન યુરો એટલે લગભગ રુ.4,400 કરોડની જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને વિરોધને રોકવા માટે કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે.

આ પ્રદર્શનોમાં સૌથી વધુ 'ઝેન-આલ્ફા' પેઢીના 16 વર્ષની આસપાસના સગીર વિદ્યાર્થીઓની છે. જેઓ માને છે કે સરકાર અમેરિકા અને નાટોના દબાણમાં શિક્ષણ કરતાં હથિયારો પાછળ વધુ નાણાં ખર્ચી રહી છે. એક રિપોર્ટ મુજબ, વર્ષ 2024માં ઈટાલીએ શિક્ષણ માટે આશરે $97 અબજ ખર્ચ્યા હતા, જ્યારે સંરક્ષણ માટે $30 થી 50 અબજનું ભંડોળ ખર્ચ કર્યું છે. આ નીતિના વિરોધમાં વિદ્યાર્થીઓ 'નો વેપન્સ'ના નારા લગાવી રહ્યા છે. આ અસંતોષ આગ આગામી 2027ની સામાન્ય ચૂંટણીઓ ઉપર પણ અસર કરી શકે છે તે પહેલાં આ વિરોધ પ્રદર્શનો શાંત કરવા એ સરકાર માટે મોટો પડકાર બની ગયો છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાને લઈ ભીડને કાબૂમાં લેવા સુરક્ષા દળોએ ટીયર ગેસ અને વોટર કેનનનો મારો ચલાવી રહી છે. વૈશ્વિક મીડિયા રિપોર્ટ અનુસાર અત્યાર સુધી 200થી વધુ લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને મિલાનમાં 271 યુવાનોની અટકાયત કરવામાં આવી,જેમાંથી 32ની સત્તાવાર ધરપકડ થઈ છે. પકડાયેલા લોકોમાં 23 સગીરો અને 13 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ સમગ્ર ઘટના માટે વામપંથી નેતાઓને જવાબદાર ગણાવ્યા છે. તેમના મતે, વામપંથી નેતાઓએ જ આ સગીર યુવાનોને ભડકાવ્યા છે, જેના કારણે આ પ્રકારની આગચંપીની ઘટનાઓ ઘટી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તોફાનીઓ અને ગુનેગારોના જૂથોને બક્ષવામાં આવશે નહીં. ઇટાલીની સાથે-સાથે પડોશી દેશ ફ્રાન્સમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે, જ્યાં રવિવારે 1500 થી વધુ દુકાનો અને સંપત્તિઓને આગ ચાંપવામાં આવી હતી.

ઈટાલીમાં વણસતી જતી પરિસ્થિતિ વચ્ચે ત્યાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારતીય મિશન દ્વારા તાત્કાલિક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, ભીડભાડવાળા વિસ્તારો અને વિરોધ પ્રદર્શનના સ્થળોથી દૂર રહેવા તેમજ સ્થાનિક સમાચારો પર સતત નજર રાખવાની કડક સલાહ આપવામાં આવી છે.

આ કટોકટીના સંજોગોમાં ભારતીયો નીચે આપેલા ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકે છે. રોમ સ્થિત ભારતીય દૂતાવાસે +39 331 614 2085 અને મિલાન સ્થિત ભારતનું કોન્સ્યુલેટ જનરલે +39 388 164 7527 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. દૂતાવાસે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ મુશ્કેલીના સમયે ભારતીય નાગરિકોએ સ્થાનિક પ્રશાસનના નિયમોનું પાલન કરવું અને સીધો સંપર્ક સાધવો.






