યુનાઇટેડ કિંગડમ (UK) ના સંયુક્ત અસ્તિત્વ સામે અત્યાર સુધીનો સૌથી મોટો બંધારણીય પડકાર ઊભો થયો છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના ટોચના નેતાઓ વેલ્સની રાજધાની કાર્ડિફમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત ત્રણેય સ્વાયત્ત પ્રદેશોમાં લંડન સરકારની હાલની વ્યવસ્થાથી અસંતુષ્ટ નેતૃત્વ સત્તામાં છે. આ સંયુક્ત બેઠકમાં નાગરિકોને પોતાના ભવિષ્યનો નિર્ણય જાતે લેવા માટે આત્મનિર્ણયનો અધિકાર આપવા અને જરૂર પડ્યે અલગ થવા અંગે જનમત સંગ્રહ (રેફરેન્ડમ) યોજવા માટે સંયુક્ત દબાણ બનાવવાની વ્યૂહરચના ઘડવામાં આવશે.

કાર્ડિફ બેઠકમાં સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વિની (SNP), વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર રુન એપી ઇઓર્થવર્ટ (પ્લાઇડ કમરી) અને નોર્ધન આયર્લેન્ડની સત્તાધારી પાર્ટી સિન ફેનના વડા મેરી લૂ મેકડોનાલ્ડ સામેલ થશે. સ્કોટલેન્ડ અને વેલ્સ સંપૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર બનવા માંગે છે, જ્યારે નોર્ધન આયર્લેન્ડનું લક્ષ્ય બ્રિટનથી અલગ થઈને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ સાથે ભળી જવાનું છે. આ સંયુક્ત મોરચો બ્રિટિશ કેન્દ્ર સરકાર સામે પ્રાદેશિક અધિકારો અને સત્તાના વિકેન્દ્રીકરણ માટે એક અસાધારણ પડકાર ઊભો કરી રહ્યો છે.

આ રાજકીય ગરમાવો બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહમના એક નિવેદન બાદ વધુ તીવ્ર બન્યો છે. તેમણે અગાઉ સંકેત આપ્યો હતો કે જો જનસમર્થન મળે તો સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં અલગ થવા અંગે જનમત સંગ્રહ પર વિચાર થઈ શકે છે. જોકે વિવાદ વધતાં તેમણે આગામી સામાન્ય ચૂંટણી પહેલાં આવો કોઈ જનમત સંગ્રહ ન યોજવાની સ્પષ્ટતા કરવી પડી હતી. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ડબલિન મુલાકાત દરમિયાન આયર્લેન્ડના એકીકરણનું સમર્થન કરીને વૈશ્વિક સ્તરે આ મુદ્દાને નવો વેગ આપ્યો છે.

આ સંઘર્ષ પાછળ આઝાદી ઉપરાંત યુરોપિયન યુનિયન (EU) સાથે જોડાવાની આકાંક્ષા પણ મુખ્ય કારણ છે. વર્ષ 2016ના બ્રેક્ઝિટ લોકમત વખતે સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડના બહુમતી નાગરિકોએ EUમાં રહેવાની તરફેણ કરી હતી, છતાં સમગ્ર UK બહાર નીકળી ગયું હતું. હવે સ્વતંત્ર દેશ બનીને સ્કોટલેન્ડ અને વેલ્સ ફરી EU સભ્યપદ મેળવવા માંગે છે, જ્યારે નોર્ધન આયર્લેન્ડ આયર્લેન્ડ સાથે એકીકૃત થતાં જ આપોઆપ EUનો ભાગ બની શકે છે.
નોર્ધન આયર્લેન્ડ માટે 1998નો ઐતિહાસિક 'ગુડ ફ્રાઈડે કરાર' જનતાની ઈચ્છા મુજબ બોર્ડર પોલ (જનમત સંગ્રહ) યોજવાનો કાયદાકીય માર્ગ પૂરો પાડે છે. જ્યારે સ્કોટલેન્ડમાં 2014ના રેફરેન્ડમમાં 55% લોકોએ યુકેમાં રહેવા મત આપ્યો હતો, પરંતુ બદલાયેલી વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિઓમાં SNP ફરીથી જનમતની માંગ પર અડગ છે. લંડનની કેન્દ્ર સરકાર માટે દેશની એકતા જાળવી રાખવી હવે રાજદ્વારી અને બંધારણીય કસોટી બની ગઈ છે.






