અમદાવાદ શહેરમાં આજે કાળાડિબાગ વાદળોની ઘેરાબંધી અને ધોળા દિવસે છવાયેલા ઘોર અંધારપટ વચ્ચે ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગે શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીના સમયગાળા માટે અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. વાદળોના જમાવડાને કારણે વિઝિબિલિટી નહિવત્ થઈ જતાં રસ્તાઓ પર વાહનોની ગતિ થંભી ગઈ છે અને સુરક્ષાના ભાગરૂપે મીઠાખળી અંડરપાસ વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે.
પશ્ચિમ અને પૂર્વ અમદાવાદમાં જળબંબાકાર
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસ.જી. હાઈવે, હેલ્મેટ સર્કલ, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા, અંધજન મંડળ, સેટેલાઇટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર અને ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અંધારપટના કારણે આગળનો રસ્તો ન દેખાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને નોકરી-ધંધે નીકળેલા હજારો નાગરિકો અટવાઈ પડ્યા હતા.
બીજી તરફ પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, નિકોલ, ઈસનપુર, મણિનગર, નારોલ, વટવા, નરોડા પાટિયા અને કુબેરનગર ITI વિસ્તારમાં સવારથી જ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં શેરીઓ અને માર્ગો નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેનાથી શહેરના મુખ્ય જંકશનો પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિકજામ થયો છે.
સાબરમતી નદીનું જળસ્તર અને વાસણા બેરેજ
વરસાદી પાણીના સતત પ્રવાહને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીનું જળસ્તર 129 ફૂટ પર નિયંત્રિત રાખવામાં આવ્યું છે. નદીમાં પાણીની સપાટી જાળવી રાખવા અને વધારાના પાણીના નિકાલ માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે તૈનાત કરવામાં આવી છે.
રાજ્યના 18 જિલ્લાઓમાં આગામી 3 કલાક માટે ચેતવણી
હવામાન વિભાગની તાજી આગાહી મુજબ આગામી 3 કલાક રાજ્યભરમાં ભારે વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. અમદાવાદ સહિત રાજ્યના 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.






