ગુજરાત વિધાનસભાના 3 દિવસીય ચોમાસુ સત્રનો આજથી વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે, જેમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. આ સમયગાળા દરમિયાન મહેસૂલ, ઊર્જા, નર્મદા, જળ સંપત્તિ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા થશે અને સંબંધિત મંત્રીઓ ધારાસભ્યોના સવાલોના જવાબ આપશે. પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શોક પ્રસ્તાવ રજૂ કરશે, જેમાં પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને મોહનસિંહ રાઠવા સહિત 5 દિવંગત સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. શોક પ્રસ્તાવ બાદ પ્રથમ દિવસની કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે. દરમિયાન, આજે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક મળશે, જેમાં સત્રમાં રજૂ થનારા 9 સરકારી વિધેયકો ઉપરાંત રાજ્યમાં વરસાદની ઘટ, જળસંગ્રહ અને ખરીફ પાકની સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે.

આ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વેપાર-ધંધા અને સામાન્ય નાગરિકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ કાયદાકીય સુધારાઓ લાવવાની તૈયારીમાં છે. ગુમાસ્તા ધારામાં સુધારો કરવા માટે નવું વિધેયક લાવવામાં આવશે, જેના અમલ બાદ રાજ્યભરમાં કોઈપણ દુકાન, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, શોરૂમ અને ગેરેજ સહિતના તમામ વ્યાવસાયિક એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે. પોલીસ કે અન્ય સ્થાનિક સત્તાધીશો તેમને બળજબરીથી બંધ કરાવી શકશે નહીં, જોકે વેપારીઓએ સ્વચ્છતા, ટ્રાફિક અને સલામતીનું પાલન કરવું પડશે. આ સાથે નવા એકમોની નોંધણી માટે ઇન્સ્પેક્ટર રાજ ખતમ કરી સેલ્ફ ડેક્લેરેશન પદ્ધતિ અમલમાં આવશે. વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા માટે બાબુઓ માટે સમયમર્યાદા નક્કી કરાશે; જો નિયત સમયમાં ફરિયાદનો નિકાલ નહીં થાય, તો અરજી આપોઆપ ઉપલી સત્તા સમક્ષ અપીલમાં ટ્રાન્સફર થઈ જશે અને નાગરિકોને એસએમએસથી તેની માહિતી મળશે.

ADVERTISEMENT

જમીન-મહેસૂલ ક્ષેત્રે પણ લાખો ખાતેદારોને મોટી રાહત આપતા બે મહત્વના સુધારા આ સત્રમાં કાયદાનું સ્વરૂપ લેશે. વર્ષ 1947ના ટુકડા જમીન ધારામાં સુધારો કરીને 29 January 1948 થી 31 March 2026 સુધી થયેલા જમીન વિભાજન કે ટ્રાન્સફરના વ્યવહારોને કોઈપણ દંડ કે પ્રીમિયમ વિના આપોઆપ નિયમિત ગણવામાં આવશે, જેનાથી બિનખેતી (NA) ની અટકેલી મંજૂરીઓ સરળ બનશે અને કોર્ટ કેસો રદ થશે. સાથોસાથ, વિવાદ વગરની જમીનોના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થયેલા હોય તેવા કિસ્સામાં એ જ દિવસે મ્યુટેશન એન્ટ્રી નોંધીને પ્રમાણિત કરવાની કાયદેસર વ્યવસ્થા લાગુ કરાશે. આ ઉપરાંત, અન્ય રાજ્યના તબીબોને ગુજરાતમાં પ્રેક્ટિસ માટે સેલ્ફ-ડેક્લેરેશનથી સરળ નોંધણી મળશે અને ફાયર સેફ્ટીમાં કેન્દ્રના નિયમોના બદલે ગુજરાતના સ્થાનિક બિલ્ડિંગ બાય-લોઝ જ લાગુ રહેશે.