વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેશનિંગ વ્યવસ્થાને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે દેશની પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (PDS) સુવિધાને વધુ સરળ, પારદર્શક અને આધુનિક બનાવવા માટે 'સાર્થક-પીડીએસ' યોજનાની શરૂઆત કરી છે. આ યોજના પાછળ કેન્દ્ર સરકાર અંદાજે 25,530 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરશે, જેની સીધી અસર દેશના 80 કરોડ રેશનકાર્ડ ધારકો અને રેશનિંગની દુકાન ચલાવતા ડીલરો પર પડશે.
રેશનિંગ વ્યવસ્થામાં 3 મોટા ફેરફારો કરવામાં આવ્યા
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે, ત્યારે રજીસ્ટ્રેશનથી લઈને રાશન આપનારા દુકાનદારોના હિતમાં 3 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ હવે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે.
1. પરિવહન ખર્ચ હવે કેન્દ્ર સરકાર ભોગવશે: અત્યાર સુધી રાજ્ય સરકારોએ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના મોટા ગોડાઉનોમાંથી અનાજનો જથ્થો ઉપાડી જુદા જુદા જિલ્લાઓ, ગામો અને છેલ્લે રાશનની દુકાન સુધી પહોંચાડવાનો પરિવહન ખર્ચ પોતે ભોગવવો પડતો હતો, જેના કારણે રાજ્યો પર આર્થિક ભારણ રહેતું હતું. જોકે હવે નવી યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આ આખો ખર્ચ પોતે ઉપાડશે. આનાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને લાભાર્થીઓ સુધી સમયસર રાશન પહોંચી શકશે.
2. ડીલરોના કમિશનમાં વધારો: બીજા મોટા ફેરફાર અંતર્ગત રાશન પૂરું પાડતા દુકાનદારો એટલે કે ડીલરોનું કમિશન વધારવામાં આવશે. દેશભરના રાશન ડીલરો ઘણા સમયથી કમિશન વધારવાની સતત માંગ કરી રહ્યા હતા, જેને કેન્દ્ર સરકારે હવે સ્વીકારી લીધી છે. આ નિર્ણયથી દુકાનદારોની આર્થિક સ્થિતિ સુધરશે અને તેમની કમાણીમાં વધારો થશે.
3. AI ટેકનોલોજીથી રજીસ્ટ્રેશન: ત્રીજા ફેરફાર મુજબ, આખી રાશન સિસ્ટમને વધુ અત્યાધુનિક અને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી રાશન મેળવનારા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે, જેથી આખી સિસ્ટમ ડિજિટલ બનશે અને ગેરરીતિઓ સંપૂર્ણપણે અટકી જશે.






