મધ્ય-પૂર્વ (Middle East) અત્યારે ભયાનક યુદ્ધની જ્વાળાઓમાં સપડાયેલું છે. સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીની હત્યા બાદ ઈરાન અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. ઇઝરાયેલ અને અમેરિકાના આધુનિક હથિયારો સામે ઈરાન જે રીતે ટક્કર આપી રહ્યું છે, તેની પાછળનું અસલી રહસ્ય જમીનની ઉપર નહીં પણ જમીનથી સેંકડો ફૂટ નીચે છુપાયેલું છે. જમીનથી 1600 ફૂટ નીચે 'મિસાઈલ સિટી' ઈરાન પાસે તેની નિયમિત સેના કરતાં પણ વધુ ઘાતક તેનો 'મિસાઈલ ખજાનો' છે.

ફેબ્રુઆરી 2025માં સામે આવેલા અહેવાલો મુજબ, ઈરાને પહાડોની નીચે અને રણની રેતીમાં 1600 ફૂટની ઊંડાઈએ આખું 'મિસાઈલ સિટી' વસાવ્યું છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, તેહરાન, રમાનશાહ અને સેમનાન જેવા શહેરોની નીચે ઈરાન પાસે આવા 5 ગુપ્ત મિસાઈલ સ્ટેશન્સ છે. આ ટનલો એટલી મજબૂત અને ઊંડી છે કે અમેરિકાના સૌથી શક્તિશાળી 'બંકર બસ્ટર' (Bunker Buster) બોમ્બ પણ તેને નુકસાન પહોંચાડી શકતા નથી. અહીં માત્ર મિસાઈલોનો સંગ્રહ જ નથી થતો, પરંતુ તેનું ઉત્પાદન અને સીધું ત્યાંથી જ લોન્ચિંગ કરવાની અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. 2000 કિમી સુધીની મારક ક્ષમતા: અમેરિકી બેઝ નિશાન પર ઈરાન પાસે મધ્ય-પૂર્વમાં મિસાઈલોનો સૌથી મોટો જથ્થો છે. તેની શક્તિને બે ભાગમાં વહેંચી શકાય છે:

શોર્ટ રેન્જ (150-800 કિમી): ફતેહ-110 અને શાહબ-1 જેવી મિસાઈલો દ્વારા કતાર, બહેરીન, સાઉદી અરેબિયા અને ઈરાક જેવા પડોશી દેશો ઈરાનની સીધી પહોંચમાં છે.
મિડિયમ રેન્જ (2000 કિમી સુધી): શાહબ-3 અને સેજ્જિલ જેવી બેલેસ્ટિક મિસાઈલો 2000 કિમી દૂર સુધી પ્રહાર કરી શકે છે. આ રેન્જમાં આખું ઇઝરાયેલ અને મધ્ય-પૂર્વમાં આવેલા તમામ અમેરિકી સૈન્ય બેઝ આવી જાય છે. રડારને થાપ આપતા 'સુસાઈડ ડ્રોન' ઈરાનની રણનીતિમાં માત્ર મિસાઈલો જ નહીં, પણ તેના શાહેદ-136 (Shahed-136) જેવા 'સુસાઈડ ડ્રોન' પણ મહત્વના છે. આ ડ્રોન 2500 કિમીની રેન્જ ધરાવે છે. તેની ખાસિયત એ છે કે તે ખૂબ જ ધીમી ગતિએ અને જમીનથી નજીક (Low-flying) ઉડે છે, જેના કારણે અત્યાધુનિક રડાર સિસ્ટમ પણ તેને પકડી શકતી નથી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: વિશ્વ માટે આર્થિક ખતરો યુદ્ધ માત્ર હથિયારોથી નથી લડાતું, તે અર્થતંત્રથી પણ લડાય છે. ઈરાન પાસે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર નિયંત્રણ રાખવાની ક્ષમતા છે. નોંધનીય છે કે વિશ્વના કુલ તેલ વેપારનો 20% હિસ્સો આ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે. જો ઈરાન આ રસ્તો બંધ કરવાની પોતાની ધમકી પર અમલ કરે, તો વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં ભયાનક ઉછાળો આવી શકે છે.

ભારત જેવા દેશો માટે આ ચિંતાનો વિષય છે કારણ કે આપણી અડધી તેલ આયાત આ જ રૂટ પર નિર્ભર છે. શું પાતાળનું આ સામ્રાજ્ય ઈરાનને બચાવશે? નિષ્ણાતો માને છે કે ઈરાન હજુ ઘણા દિવસો સુધી આક્રમક હુમલા ચાલુ રાખવાની ક્ષમતા ધરાવે છે. જોકે, ટેકનોલોજી અને સેટેલાઈટ સર્વેલન્સના યુગમાં શું આ ગુપ્ત ટનલો ઈરાનને સંપૂર્ણ સુરક્ષા આપી શકશે? તે તો આવનારો સમય જ કહેશે. પણ હાલમાં તો, ઈરાનનું આ 'પાતાળ લોક' પશ્ચિમી દેશો માટે મોટો માથાનો દુખાવો બની ગયું છે.

ADVERTISEMENT