બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયને પોતાની સાંસ્કૃતિક ધરોહર સાથે જોડી રાખવા અને વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી લંડન સ્થિત પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટરમાં તાજેતરમાં ‘વિરાસત 2026 – ધ લેગસી ઓફ ટેલેન્ટ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મેજિકમેટ્સ (MagicMats) દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક મહોત્સવમાં સ્ટોરીનેસ્ટ કોમ્યુનિકેશન્સ જેવી અગ્રણી સંસ્થાઓએ વ્યૂહાત્મક ભાગીદારી નોંધાવી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગુજરાતી અને ભારતીય કળાની વિવિધતા ઉજાગર થતાં ઉપસ્થિત દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ મહોત્સવમાં ભારતની અખંડતા અને સાંસ્કૃતિક વિવિધતાને રજૂ કરતા વિવિધ પરંપરાગત અને આધુનિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભરતનાટ્યમ, કથક, ગુજરાતી ગરબા, રાજસ્થાની લોકનૃત્ય, પંજાબી ભાંગડા અને બોલિવૂડ નૃત્યની શાનદાર પ્રસ્તુતિઓ થઈ હતી. કાર્યક્રમનું સફળ મંચ સંચાલન મહી ગાંધી (Mahi Gandhi) અને વિનિત સિયાન (Veneet Sian) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચરોતર (મૂળ બોરસદ, ખાનપુર) નું ગૌરવ અને યોગ નિષ્ણાત દિવ્યા પાર્થ પટેલે યોગાસનોની અદભુત પ્રસ્તુતિ કરી સ્વસ્થ જીવનશૈલીનો સંદેશો પાઠવ્યો હતો.
આયોજનની ભવ્ય સફળતા પાછળ અનેક ગુજરાતી અગ્રણીઓનો સિંહફાળો રહ્યો હતો. નડિયાદના વતની ઋષિ પટેલે કાર્યક્રમની ટેકનિકલ વ્યવસ્થાઓ, આયોજન અને સંકલન (Coordination) માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે ‘ઓમ ફ્યુનરલ કેર લિમિટેડ’ ના ડાયરેક્ટર દેવિશા પટેલ દ્વારા મેજિકમેટ્સને આપવામાં આવેલા સામુદાયિક સહયોગ અને સમર્થનની વિશેષ નોંધ લેવામાં આવી હતી.
આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રખ્યાત અભિનેત્રી ઋતુપર્ણા સેનગુપ્તાની ઉપસ્થિતિ હતી. તેઓ આ વૈશ્વિક મંચ પર ભારતીય કલા અને વારસાને પ્રોત્સાહન આપવા માટે 'વિરાસત 2026' ના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખાસ જોડાયા હતા.
માત્ર નૃત્ય અને સંગીત જ નહીં, પરંતુ કાર્યક્રમ દરમિયાન લાઈવ મ્યુઝિક, પરંપરાગત અને આધુનિક વસ્ત્રોનો ફેશન શો, સાહિત્યિક ચર્ચાઓ અને હેરિટેજ પ્રદર્શનો પણ યોજાયા હતા. આ ઉપરાંત, ગ્લોબલ ભારતીય ડિઝાઇનરો અને બિઝનેસ બ્રાન્ડ્સને આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે જોડવા માટે બિઝનેસ નેટવર્કિંગ સત્રો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શરૂઆતથી જ માર્ગદર્શક તરીકે જોડાયેલા નૈના જાદવ અને પરફોર્મન્સ કોર્ડિનેટર ધ્વનિ બ્રહ્મભટ્ટની જહેમત ઉડીને આંખે વળગતી હતી. આયોજકો દ્વારા તુલસીનાથ જી, બીજલબેન, રિધમ પરફોર્મિંગ આર્ટ્સ, રાધે શ્યામ ચેરિટી, વેજી લાઈફ રેસ્ટોરન્ટ (હાઉન્સલો), નહેરુ સેન્ટર અને પત્રકારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બ્રિટનમાં મેજિકમેટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોને યોગ, નૃત્ય તથા સંગીત દ્વારા પોતાની પ્રતિભા વિકસાવવાની તકો પૂરી પાડવાનો છે. ‘વિરાસત 2026’ ભારતીય સંસ્કૃતિ અને સામુદાયિક એકતાનો એક યાદગાર અને ઐતિહાસિક ઉત્સવ બની રહ્યો.

