નવરાત્રિ એટલે સંસ્કૃતિ, સમર્પણ, ઉલ્લાસ અને આદ્યશક્તિની આરાધનાનું પર્વ. નવ રાત્રિઓમાં ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ગરબાની જે રમઝટ જામે છે, તે માત્ર એક ઉત્સવ કે મનોરંજન નથી, પરંતુ સદીઓ જૂની શ્રદ્ધા, અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ છે.વ્યક્તિગત ચેતનાનું જોડાણ છે. દેશભરના વિવિધ ભાગોમાં નવરાત્રિ અલગ-અલગ ધાર્મિક પરંપરાઓથી ઉજવાય છે.પરંતુ ગુજરાતમાં ઉજવાતી નવરાત્રિની વિશ્વમાં એક અલગ જ ઓળખ છે.

image.png

'ગર્ભદીપ'થી શક્તિ-ઉપાસના: ગરબાનું આધ્યાત્મિક રહસ્ય

સમગ્ર વિશ્વમાં નવરાત્રિને સૌથી લાંબા લોકનૃત્યોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. જેની પાછળ ઊંડો આધ્યાત્મિક અને સામાજિક મર્મ છુપાયેલો છે.'ગરબો' શબ્દનો ઉદ્ભવ મૂળ સંસ્કૃત શબ્દ 'ગર્ભદીપ' પરથી થયો છે. માટીના છિદ્રોવાળા ઘડાની અંદર પ્રગટાવવામાં આવતો દીવો માનવ શરીર અને તેમાં ધબકતા ચૈતન્યરૂપી આત્માનું પ્રતીક છે. જેમ છિદ્રોવાળા ઘડામાંથી જ્યોતનો પ્રકાશ બહાર ફેલાય છે, તેમ માનવ દેહમાંથી પણ આંતરિક ચેતના પ્રગટ થાય છે. નવરાત્રિમાં જગદંબાની મૂર્તિ, છબી કે ગરબીને કેન્દ્રમાં સ્થાપીને તેની આસપાસ વર્તુળાકારે ઘૂમવું એ બ્રહ્માંડના શાશ્વત ચક્ર અને જન્મ-મરણના ફેરાનું પ્રતીક માનવામાં આવે છે. આ દર્શાવે છે કે સંસારનું સમગ્ર સંચાલન પરમશક્તિના કેન્દ્રબિંદુ આસપાસ જ ફરે છે.

ADVERTISEMENT

image.png


દેશભરમાં નવરાત્રિ અને ગુજરાતની અનોખી ઓળખ

સમગ્ર ભારતમાં નવરાત્રિ ભક્તિભાવથી ઉજવાય છે. પશ્ચિમ બંગાળમાં ભવ્ય દુર્ગા પૂજા, ઉત્તર ભારતમાં રામલીલા, દક્ષિણ ભારતમાં બોમ્માઈ કોલુ તેમજ મૈસૂરમાં દશેરાનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં આ આરાધના અનોખું સામૂહિક લોકરૂપ ધારણ કરે છે. ગુજરાતમાં ભક્તિ અને નૃત્ય એકરૂપ બની જાય છે. શેરી-પોળોના પરંપરાગત પ્રાચીન ગરબાથી માંડીને વિશાળ ગ્રાઉન્ડ્સ અને ક્લબ્સ સુધી, ઢોલના તાલે અને પ્રાચીન ગરબીઓના સૂરે આખું નગર નવ રાત સુધી માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે.

image.png

ગુજરાતીઓ એટલે ગરબાના શોખીન

કહેવાય છે કે ગરબો ગુજરાતીઓના લોહી અને સંસ્કારોમાં વણાયેલો છે. ગુજરાત અને ગરબા વચ્ચેનો સંબંધ સદીઓ જૂનો છે. ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા અને સૌરાષ્ટ્રના ગોપ સંસ્કૃતિના રાસથી શરૂ થયેલી આ યાત્રા મધ્યકાલીન ભક્તકવિઓ નરસિંહ મહેતા, ભાલણ અને ખાસ કરીને 18મી સદીમાં વલ્લભ મેવાડાના શક્તિ-ગરબાઓ દ્વારા જનમાનસમાં ઊંડે સુધી ઉતરી ગઈ. સામાન્ય દિવસોમાં વેપાર-ધંધા અને વાણિજ્યમાં વ્યસ્ત રહેતો ગુજરાતી સમાજ નવરાત્રિ આવતાં જ તમામ ચિંતાઓ બાજુ પર મૂકીને માતાજીની આરાધનામાં લીન થઈ જાય છે. દુનિયાના કોઈપણ ખૂણે વસતો ગુજરાતી નવરાત્રિ આવતાં જ ગરબાના તાલે ઝૂમી ઊઠે છે. ગરબામાં ઊંચ-નીચ, ભેદભાવ ભૂલી સૌ કોઈ બાળકથી લઈને વડીલો સુધી સૌ કોઈ પરંપરાગત ચણિયા-ચોળી અને કેડિયાં ધારણ કરી એક જ લયમાં જોડાય છે. નવરાત્રિ એ માત્ર ગરબા રમવાનું નૃત્ય નથી, પણ ગુજરાતીઓના જીવંત સ્વભાવ, ઉમંગ, આતિથ્ય અને સામાજિક એકતાની ઓળખ છે.

image.png

ગરબાની સૌથી મોટી વિશેષતા તેની સામાજિક સમાનતા છે. અહંકારનું વિસર્જન અને મા શક્તિ પ્રત્યે પૂર્ણ સમર્પણ. શેરી-મહોલ્લાની પોળોથી માંડીને વિશાળ મેદાનો સુધી, ગામડાની શેરીઓથી માંડીને વિદેશમાં પણ દેશી ઢોલના તાલે ઉજવાતો આ તહેવાર છે. શક્તિની ઉપાસનાનું પર્વ છે. નવરાત્રિ દરમિાન ઊર્જાનો જે સંચાર થાય છે તે ગુજરાતીઓની જીવંતતા, આતિથ્ય અને સામૂહિક એકતાનું પ્રમાણ છે. આ વિશિષ્ટ સાંસ્કૃતિક વારસાને કારણે જ યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક ધરોહર તરીકે ગૌરવ અપાવ્યું છે. યુનેસ્કો (UNESCO) દ્વારા તેને 'અમૂર્ત સાંસ્કૃતિક વારસો' (Intangible Cultural Heritage) જાહેર કરીને વૈશ્વિક સન્માન આપવામાં આવ્યું છે. આમ, ગરબો એ નવરાત્રિના નવ દિવસો દરમિયાન ધરતી પર ઉતરી આવતો એક દિવ્ય આનંદોત્સવ છે.