વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ
ટીમ ઈન્ડિયા ચોથીવાર ફાઈનલમાં પહોંચ્યું
ઇંગ્લેન્ડને રોમાંચક મેચમાં 7 રને હરાવ્યું
ઈંગ્લેન્ડને હરાવી ટીમ ઈન્ડિયા ચોથીવાર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં
મુંબઈ: મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિ-ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રસાકસીભર્યો જંગ જોવા મળ્યો હતો. હાઈ-સ્કોરિંગ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 7 રને પરાજય આપીને ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે 8મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખિતાબી જંગ ખેલાશે.
સેમસન અને દુબેની તોફાની બેટિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓપનર સંજુ સેમસને શાનદાર ફોર્મ જાળવી રાખતા 89 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેને શિવમ દુબે (43 રન) અને ઈશાન કિશન (39 રન) નો પૂરો સાથ મળ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ મોટી ઈનિંગ રમી શક્યો નહોતો, પરંતુ ભારતે T20 વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
જેકબ બેથલની સદી એળે ગઈ
254 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેકબ બેથલે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી માત્ર 48 બોલમાં 105 રનની સનસનાટીભરી સદી ફટકારી હતી. એક સમયે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ મેચ જીતી જશે, પરંતુ ભારતીય બોલરોએ છેલ્લી ઓવરોમાં લડત આપી હતી. ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 246 રન બનાવી શકી અને ભારતનો 7 રને વિજય થયો.
સતત ત્રીજી સેમિ-ફાઈનલ અને ભારતનો દબદબો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ સતત ત્રીજા ટી20 વર્લ્ડ કપની સેમિ-ફાઈનલ હતી. 2022માં ઈંગ્લેન્ડ જીત્યું હતું, જ્યારે 2024 અને હવે 2026માં ભારતે ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી કુલ 29 મેચોમાંથી ભારતે 17માં જીત મેળવી પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.
હવે રવિવારે અમદાવાદમાં મહાજંગ
ગઈકાલે પ્રથમ સેમિ-ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે 8 માર્ચ, રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ભારતીય ચાહકોને આશા છે કે 2007 અને 2024 બાદ ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ટ્રોફી ઉપાડશે.
