શું ગુજરાતમાં વીજ પુરવઠા પર ખતરો મંડરાઈ રહ્યો છે ? રાજ્યમાં રેકોર્ડબ્રેક વીજળીના વપરાશને લઈ હવે આગોતરું આયોજન કરવું જરુરી બની ગયું છે, વધતી વીજ માંગ વચ્ચે રાજ્યમાં પાવર કટ કે વીજ સંકટ ન સર્જાય તે માટે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ સચિવો સાથે મુખ્યમંત્રીએ મહત્વની બેઠક યોજી છે.
મહત્વનું છે કે ગુજરાતમાં નબળા ચોમાસા, સતત વધતી ગરમી અને તહેવારો પહેલાં ધમધમતા ઉદ્યોગોના કારણે વીજળીની માંગ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. રાજ્યમાં 16.10.2026ના રોજ ઇતિહાસની સૌથી વધુ 29,822 મેગાવોટ વીજ માંગ નોંધાઈ છે, જે ગત વર્ષના ઓક્ટોબર માસની સરખામણીએ 36.6% જેટલી વધારે છે. આ સાથે જ દૈનિક વીજ વપરાશ પણ 27% વધીને 574 મિલિયન યુનિટ પહોંચી ગયો છે.
ગુજરાતમાં દિવસે આશરે 12,000 મેગાવોટ સોલાર ઊર્જા ઉત્પન્ન થાય છે, પરંતુ સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા દરમિયાન સૂર્યાસ્ત થતાં સોલાર ઉત્પાદન શૂન્ય થઈ જાય છે. વળી, પવનની ગતિ ઓછી હોવાથી વિન્ડ એનર્જીનું ઉત્પાદન પણ ઘટ્યું છે. સાંજના સમયે કૂલિંગ લોડ અને કૃષિ લોડ એકસાથે વધતાં સરકાર માટે અવિરત વીજ પુરવઠો જાળવી રાખવો મોટો પડકાર બન્યો છે.
ચાલુ વર્ષે અલનિનોની અસર અને નબળા ચોમાસાને કારણે ખેડૂતોના ઊભા પાકને બચાવવા સિંચાઈ માટે વીજળીની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. કૃષિ ક્ષેત્રનો વીજ લોડ વધીને દૈનિક 12,000 મેગાવોટ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, ગુજરાત અને પડોશી રાજ્યોમાં ઓછો વરસાદ થવાથી હાઇડ્રો પાવર જેમ કે જળ વિદ્યુત ઉત્પાદન પણ ખોરવાયું છે.
આ અગાઉ પણ રાજ્યના થર્મલ પાવર સ્ટેશનો ચાલુ રાખવા માટે કોલસાનો પુરવઠો વધારવા દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવામાં આવી હતી. કેન્દ્રીય કોલસા મંત્રાલયે તો નવેમ્બરથી રોજના 13 થી 14 રેલવે રેક કોલસો આપવાની ખાતરી પણ આપી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા NTPC અને આસામ પાવર જનરેશનમાંથી કુલ 880 મેગાવોટથી વધુ વધારાની વીજળી ગુજરાતને ફાળવવામાં આવી છે.
અહી એ મહત્વનું છે કે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે સાંજના સમયની માંગને પહોંચી વળવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. માર્ચ 2027 સુધીમાં 500 મેગાવોટ / 1,000 મેગાવોટ-કલાકની ક્ષમતા કાર્યરત થશે. આ ઉપરાંત, NPCIL સાથે 4,200 મેગાવોટના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ અને ઉકાઈ ખાતે 800 મેગાવોટના નવા થર્મલ પ્લાન્ટ પર કામગીરી ચાલી રહી છે.
હાલ તો મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં ખેડૂતો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને પૂરતો અવિરત વીજનો જથ્થો મળે તે માટે ટૂંકા ગાળાના પગલાં અને લાંબા ગાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સમીક્ષા બેઠકમાં ખેતીવાડી લોડને દિવસના સૂર્યપ્રકાશના કલાકોમાં વાળીને સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ગ્રીડનું સંતુલન જાળવવા રાજ્ય લોડ ડિસ્પેચ સેન્ટર અને વીજ વિતરણ કંપનીઓ સતત કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજ માગ અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરીને ઊર્જા વિભાગને ભાવિ આયોજન અને વીજ ઉત્પાદન વધારવાની કામગીરી વધુ ઝડપથી આગળ વધારવા નિર્દેશ આપ્યા છે.
