ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળવા જઈ રહ્યો છે રાજ્યના ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ અને ઉદ્યોગ અને મંત્રી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિંગલ ક્લિક મારફતે રાજ્યના 14,853 ઉદ્યોગોના ખાતામાં રુ,100.19 કરોડથી વધુની નાણાકીય સહાયતા જમા કરાવી છે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઔદ્યોગિક ક્ષેત્રે 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા માટે સરકારે MSME એકમો માટે ઇન્સેન્ટિવ મેળવવા સંબંધિત બેંક લોનની ફરજિયાત શરત નાબૂદ કરી દીધી છે. આ ઐતિહાસિક ફેરફારથી હવે બેંક લોન વિના પોતાની મૂડીથી ઉદ્યોગ શરૂ કરનારા સાહસિકોને પણ ઇન્સેન્ટિવનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે 16 જેટલા દસ્તાવેજો ઘટાડવામાં આવ્યા છે. સરકારી દાવો છે કે છેલ્લા છ મહિનામાં ફાઇલોના નિકાલની ઝડપ ત્રણ ગણી વધી છે, જેથી લાભાર્થીઓને ઝડપથી આર્થિક મદદ મળી રહી છે.
ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે GIDC દ્વારા 85 એકર જમીન પર આવેલા 407 ઔદ્યોગિક પ્લોટ્સની ઓનલાઈન લકી ડ્રો મારફતે ફાળવણી કરવામાં આવી છે. આ 407 પ્લોટ માટે 4,665 અરજીઓ મળી હતી. નવી ઉદ્યોગ નીતિ હેઠળ મોટા ઉદ્યોગો તરફથી 346થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. વળી, 'સ્માર્ટ GIDC' કોન્સેપ્ટ હેઠળ ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને સર્વિસ લાઈન્સનું સંયુક્ત આયોજન કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યની નવી ટેકનોલોજી અને વૈશ્વિક ભાગીદારી માટે રાજ્ય સરકારની ટીમ જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે પણ જશે.
ગુજરાતના સકારાત્મક ઔદ્યોગિક વાતાવરણ અને નીતિઓને કારણે અન્ય રાજ્યોમાંથી 27 જેટલા ઉદ્યોગો ફરી ગુજરાત તરફ પરત ફર્યા છે, જે રાજ્યની મજબૂત આર્થિક નીતિઓનો પુરાવો છે. સરકાર દ્વારા યુવા ઉદ્યોગસાહસિકો અને મહિલા સ્ટાર્ટઅપ્સને વિશેષ પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કુલ 14,853 લાભાર્થીઓમાં 11,052 MSME એકમોનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે નાના ઉદ્યોગો રાજ્યના અર્થતંત્રનો મુખ્ય આધાર છે.
