પશ્ચિમ એશિયામાં છેડાયેલા ભીષણ યુદ્ધ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બ્લોક થવાના કારણે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઘેરાયું છે, ત્યારે ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની આશંકાઓ વચ્ચે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવા માટે 3 એપ્રિલ, 2026 સુધીનું વિશેષ લાઇસન્સ આપ્યું છે. આ નિર્ણયથી ભારતીય અર્થતંત્રને મોટી સંજીવની મળી છે.

અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઊર્જા એજન્ડા હેઠળ ભારતને આ 30 દિવસની ખાસ છૂટ આપવામાં આવી છે. તેમણે ભારતને અમેરિકાનો 'આવશ્યક ભાગીદાર' ગણાવતા કહ્યું કે, ઈરાન જે રીતે વૈશ્વિક ઊર્જા બજારને બંધક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેના દબાણને ઓછું કરવા માટે આ 'સ્ટોપ-ગેપ' વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકાને અપેક્ષા છે કે આ છૂટ બાદ ભારત આગામી સમયમાં અમેરિકી તેલની ખરીદીમાં વધારો કરશે.

અમેરિકી ટ્રેઝરી વિભાગના 'OFAC' દ્વારા જારી કરાયેલા આ લાઇસન્સનો સૌથી મોટો ફાયદો એ થશે કે જે રશિયન તેલના જહાજો પ્રતિબંધોને કારણે એશિયન જળસીમામાં 'વેઇટિંગ મોડ'માં હતા, તે હવે ભારત પહોંચી શકશે. અંદાજે 95 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઈલ હાલમાં દરિયામાં ફસાયેલું છે. 5 માર્ચ સુધી જે જહાજો પર લોડિંગ થઈ ચૂક્યું હતું, તે હવે 3 એપ્રિલ સુધીમાં ભારતીય બંદરો પર ડિલિવરી આપી શકશે. આનાથી રશિયાને કોઈ નવો આર્થિક લાભ નહીં થાય, પરંતુ ભારતને સસ્તું તેલ સમયસર મળી જશે.

ADVERTISEMENT

મિડલ-ઈસ્ટમાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં તોતીંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી અને સૌદી અરામકો જેવી મોટી રિફાઇનરીઓ પર થયેલા હુમલાના પરિણામે ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ $83.07 પ્રતિ બેરલને પાર કરી ગયા છે. આવી સ્થિતિમાં જો ભારતને રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે તેલ ન મળે, તો દેશમાં મોંઘવારીનો આંકડો આસમાને પહોંચી શકે તેમ હતો.

ભારત પોતાની જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઈલ આયાત કરે છે. રશિયા ભારતને બેન્ચમાર્ક કિંમતો કરતાં સસ્તું તેલ આપે છે, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે અનિવાર્ય છે. જાન્યુઆરીમાં રશિયન આયાત ઘટીને 11 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ હતી, જે ફેબ્રુઆરીમાં ફરી વધીને 30% સુધી પહોંચી ગઈ છે. સસ્તું તેલ મળવાને કારણે રિફાઇનરીઓનો ખર્ચ ઓછો થાય છે અને દેશમાં ઇંધણના ભાવ સ્થિર રાખી શકાય છે.

ટૂંકમાં, અમેરિકાના આ કૂટનીતિક નિર્ણયથી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ હાલ પૂરતો ટળી ગયો છે અને સરકારને સપ્લાય ચેઈન મેનેજ કરવા માટે વધારાનો એક મહિનો મળી ગયો છે.